અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીકના મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં બુધવારે બીજા માળે અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બપોરના સમયે ઓફિસોમાં કર્મચારીઓ નિયમિત કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે બીજા માળેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
આગના કારણે સર્જાયેલા ગાઢ ધુમાડાએ મુખ્ય એક્ઝિટ માર્ગને ઘેરી લેતાં કેટલાક કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. ધુમાડાને કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતાં અને ગભરાટના માહોલમાં પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને અંદર કામ કરતા બે કર્મચારીઓએ બારીમાંથી સીધા ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઉપરથી નીચે પટકાવાના કારણે બંને કર્મચારીઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. નીચે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મદદ કરી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરતાં નજીકના ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાન સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર જવાનોએ એક તરફ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સ્નોર્કલ અને સીડીની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ઝડપી કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી.
ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ વિદ્યુત વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની ઘટનામાં ઓફિસના ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું છે.