અમદાવાદમાં ડિલિવરી વાન દ્વારા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસે ગોતા બ્રિજ પાસે વોચ ગોઠવીને ગાંધીનગરથી આવતી વાનમાંથી 10.35 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 2244 બોટલ ઝડપી પાડી છે. પોલીસે વાહન ચાલકની સ્થળ પરથી જ ધરપકડ કરી છે અને આ દારૂ મોકલનાર તેમજ મેળવનાર મુખ્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં ડિલિવરી વાનમાંથી 10.35 લાખ રૂપિયાની કિંમતની દારૂની કુલ 2244 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે વાહન જપ્ત કરીને કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ડ્રાઇવરની ઓળખ બ્રજવીરસિંઘ જાટ તરીકે થઈ છે, જેણે આ દારૂનો જથ્થો ગાંધીનગર બોર્ડર પાસેથી મેળવ્યો હતો અને તેને અમદાવાદના અંજલિ ચાર રસ્તા સુધી પહોંચાડવાનો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવરે ખુલાસો કર્યો છે કે જુહાપુરામાં રહેતા રાજા ઉર્ફે કાલુ નામના શખ્સે ગાંધીનગરની હદમાંથી આ વાહનમાં દારૂ ભરાવી આપ્યો હતો. અંજલિ ચાર રસ્તા પાસે અન્ય એક વ્યક્તિ આ વાહન સ્વીકારવા આવવાનો હતો.
વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે પકડાયેલો ડ્રાઇવર એક ટ્રીપના 10 હજાર રૂપિયા મેળવતો હતો અને અગાઉ પણ તેણે આવી 2 થી 3 ખેપ મારી છે. ભૂતકાળમાં પણ આ આરોપી ગાંધીનગર વિસ્તારમાં સમાન પ્રકારના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે.