સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: શામળાજીથી દારૂ ભરેલી કારનો મણિનગર સુધી પીછો, બે બુટલેગર 17.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદ: શામળાજીથી દારૂ ભરેલી કારનો મણિનગર સુધી પીછો, બે બુટલેગર 17.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદ પોલીસે દિવાળીના તહેવારો દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી (રાજસ્થાન) બોર્ડરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ભરેલી ક્રેટા કાર કાગડાપીઠ વિસ્તારમાં ઉતારવાના ઇરાદે અમદાવાદમાં પ્રવેશી હતી. જોન-6 એલસીબી સ્ક્વોડે મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને બે બુટલેગરોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ, બિયર અને કાર સહિત કુલ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પોલીસે જણાવ્યું કે, તહેવારોને ધ્યાને રાખીને શહેરમાં દારૂના વેચાણને રોકવા માટે ઠેર-ઠેર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શામળાજી બોર્ડરથી દારૂ ભરેલી કાર અમદાવાદ તરફ આવી રહી હોવાની બાતમી મળતાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબની કાર મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી પસાર થતાં જ બે પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારચાલકે કાર ઊભી રાખવાને બદલે ઝડપથી હંકારી મૂકી હતી. એલસીબી ટીમે તાત્કાલિક એક્ટિવા પર કારનો પીછો કર્યો અને આગળ જઈને કારને આંતરી લીધી હતી.

પોલીસે કારમાંથી સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો વાઘેલા (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ) અને ધ્રુવ ઉર્ફે ધુલિયો પરમાર (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ)ની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે દારૂ સપ્લાય કરનાર અને સ્થાનિક સ્તરે જથ્થો મંગાવનાર સહિત કુલ 5 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.