અમદાવાદના બાવળા નજીક આવેલી લીમેક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગે અંદાજે 1 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મટોડા જીઆઈડીસીમાં ચોકલેટ બનાવતી કંપનીમાં પણ ભીષણ આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઇટર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, આગ વધુ ફેલાતાં અન્ય બે ફાયર ફાઇટર ગાડીઓ પણ રવાના કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઈડીસીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જીઆઈડીસીમાં આવેલી બાલાજી ટ્રેડિંગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
આ પણ વાંચો: રાજકોટ લોધિકા સંઘ: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ.
સુરતના બીઆરસી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝના ટી-57 પ્લોટમાં આવેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનની બાજુમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફટાકડાના તણખાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.