સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ફસાઈને 12 વર્ષના બાળકનું મોત, બિલ્ડર સામે બેદરકારીનો આક્ષેપ

અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ફસાઈને 12 વર્ષના બાળકનું મોત, બિલ્ડર સામે બેદરકારીનો આક્ષેપ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની છે. ફ્લેટના છઠ્ઠા માળે લિફ્ટમાં ફસાઈ જવાથી 12 વર્ષના અંશુ ભગેલનું મોત નીપજ્યું છે. અંશુ ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. સ્કૂલેથી ઘરે પરત ફર્યા બાદ તે રંગોળીનગર ખાતેના ટ્યૂશન ક્લાસમાં જવાનો હતો, તેથી તે નોટબુક લેવા માટે નીચે ઉતર્યો હતો. તે સમયે લિફ્ટમાં ફસાઈ જવાથી આ ઘટના બની હતી.

આ કરુણ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સોસાયટીના રહીશોમાં પણ શોકની લાગણી છે. પરિવારજનોએ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. બાળકના મામા શીલુંભાઈએ સ્ટ્રેચર પકડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, પોલીસે સમજાવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પરિવારજનો અને સ્થાનિક રહીશોનું કહેવું છે કે, લિફ્ટ ઘણા સમયથી ખરાબ હતી અને તેઓએ વારંવાર બિલ્ડરને રજૂઆત કરી હતી, છતાં બિલ્ડરે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે જ આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

મૃતક બાળકના કાકા અંકિત ભગેલે જણાવ્યું હતું કે, "અહીં બિલ્ડરની કમી છે. લિફ્ટ ચાલુ-ખરાબ થયા કરે છે, તો કોઈની જવાબદારી નથી. મારો ભત્રીજો હતો. તેના પિતા બહાર ગયા છે, જ્યાં સુધી તેના પિતા ન આવે ત્યાં સુધી અમે બોડીને બહાર નહીં જવા દઈએ. પોલીસ કહે છે પીએમ કરાવવા માટે જવા દો, ત્યાર પછી એફઆઈઆર અને કેસ કરો. બિલ્ડરની ઓફિસ સામે જ છે. આ ઘટનાની તેને ખબર પડી તો તે ઓફિસ છોડીને કેમ જતો રહ્યો? તેની કોઈ જવાબદારી છે કે નહીં?"

અંકિત ભગેલે વધુમાં જણાવ્યું કે, "આ લિફ્ટ દરરોજ, દર અઠવાડિયે ખરાબ થાય છે. તમે ઉપર જઈને જુઓ કે કેવી રીતે છે. મને ખબર નથી કે તે રમવા જતો હતો કે નહીં. હું ગાંધીનગરમાં ગાડી ચલાવતો હતો. મને મારી પત્નીનો ફોન આવ્યો કે તમે ફટાફટ ઘરે આવી જાઓ. તેને સ્કૂલ જવાનું હતું કે આવવાનું હતું તે ખબર નહોતી. તેનો યુનિફોર્મ અત્યારે નથી."

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અંશુ સ્કૂલેથી ઘરે આવ્યો હતો. બાદમાં 4 વાગ્યે ટ્યૂશન જવાનું હોવાથી માતા પાસેથી ₹50 લઈને નોટબુક લેવા નીચે ઉતરવા જતાં લિફ્ટમાં ફસાઈ જવાથી તેનું મોત થયું હતું. હાલમાં માતાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ પિતા કામ માટે ગાંધીધામ ગયા હતા અને તેઓ પરત ફરી રહ્યા છે.

શાંતિ શુક્ર ફ્લેટની વર્ષ 2017માં મંજૂરી આપવામાં આવી હતી. ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ બાંધકામને મંજૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી, જે હાલમાં ફાઇનલ સ્ટેજ પર હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.