સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નારોલમાં લિફ્ટ દુર્ઘટના: 12 વર્ષના બાળકનું ગળું ફસાઈ જતાં મૃત્યુ

અમદાવાદના નારોલમાં લિફ્ટ દુર્ઘટના: 12 વર્ષના બાળકનું ગળું ફસાઈ જતાં મૃત્યુ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં એક દુર્ઘટના સામે આવી છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા 12 વર્ષના બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું.

લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

આ દુર્ઘટના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો, સોસાયટી સંચાલકો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. લિફ્ટનું સમયસર સર્વિસિંગ, સુરક્ષા ચકાસણી અને યોગ્ય મેન્ટેનન્સ ન કરાવવામાં આવે તો તે કેવું જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આ ઘટના પુરાવો છે. સોસાયટીઓમાં લિફ્ટની ટેકનિકલ ખામીઓને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ તેમજ નાના બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.