સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની કોર્ટોમાં આજથી ત્રણ દિવસ વકીલોની હડતાળ, ભાડા વિધેયક-2026નો વિરોધ

અમદાવાદની કોર્ટોમાં આજથી ત્રણ દિવસ વકીલોની હડતાળ, ભાડા વિધેયક-2026નો વિરોધ

રાજ્ય સરકારના નવા ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં અમદાવાદની વિવિધ કોર્ટોના વકીલોએ આજથી ત્રણ દિવસીય હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે, જે દરમિયાન વકીલો કોર્ટના તમામ કામકાજથી દૂર રહેશે.

ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કૉઝ કોર્ટ, ફેમિલી કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિતની કોર્ટોના વકીલો આ હડતાળમાં જોડાશે. ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટ તથા જિલ્લા-તાલુકા સ્તરે પણ વિરોધના કાર્યક્રમો યોજવા અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે.

વકીલોના જણાવ્યા અનુસાર, નવા ભાડા વિધેયક હેઠળ સિટી સિવિલ કોર્ટ પાસેથી પ્રાથમિક નિર્ણય લેવાની સત્તા છીનવીને આસિસ્ટન્ટ કલેક્ટર કે આસિસ્ટન્ટ કમિશનર જેવા વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી છે. આનાથી સામાન્ય નાગરિકો અને વકીલોને ભારે હાડમારીનો સામનો કરવો પડશે, તેમજ ભ્રષ્ટાચાર અને ન્યાયમાં વિલંબ જેવા પ્રશ્નો ઊભા થશે.

એસોસિએશન દ્વારા સંબંધિત કોર્ટોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ ત્રણ દિવસ દરમિયાન વકીલો કે પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ એકતરફી કેસ ચલાવવામાં ન આવે અને કોઈ વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ્સ બાર એસોસિએશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ઠરાવ જાહેર થયો નથી, પરંતુ આગામી દિવસોમાં આ વિરોધને વધુ વ્યાપક બનાવવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.