અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વર દેસાઈ અને સેક્રેટરી ભરત શાહે 7 સપ્ટેમ્બરે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને પત્ર લખીને ફરિયાદ કરી છે કે મેટ્રો કોર્ટમાંથી મોકલવામાં આવતા સમન્સ અને વોરંટની બજવણી થતી નથી. જ્યારે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આવા સમન્સ અને વોરંટની બજવણી નિયમિત થાય છે. આ બેવડી નીતિ સામે વકીલોએ સવાલ ઉઠાવ્યા છે.
ભરત શાહે જણાવ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ક્રિમિનલ અને ચેક રિટર્નના કુલ 7થી 8 લાખથી વધુ કેસો પડતર છે. સમન્સ કે વોરંટ બજવણી ન થવાને કારણે કેસનો ભરાવો વધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર સમન્સ કે વોરંટ બજે નહીં તો તેને બીજી તારીખ માટે પણ કોર્ટમાં પાછા મોકલતા નથી. જેના કારણે પક્ષકારોને 3થી 4 મહિના સુધીની મુદ્દત મળે છે અને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. આવી બેદરકારી કોર્ટના હુકમનો અનાદર કરવા સમાન છે, પરંતુ કોઈ કોર્ટ પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ ફટકારતી નથી.
વકીલોએ આરોપ મૂક્યો છે કે લોક અદાલતના સમયે દરેક સમન્સ અને વોરંટ બજી જાય છે, કારણ કે ત્યાં કેસનો નિકાલ કરવાનો હોય છે. પણ જ્યારે સામાન્ય પક્ષકારોની ન્યાયની વાત આવે ત્યારે સમન્સ-વોરંટની બજવણી માત્ર કોલ આઉટ કરીને મૂકી દેવાય છે. તેમણે કહ્યું કે દરેક કોર્ટમાં અને દરેક પોલીસ સ્ટેશનમાં કોર્ટ ડ્યુટી કોન્સ્ટેબલ પહેલેથી જ તૈનાત છે, તેમ છતાં નોડલ ઓફિસરે આ સમસ્યા હલ કરવા માટે કોઈ પગલાં લીધાં નથી. આ સમગ્ર જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની છે.
એસોસિએશને માંગ કરી છે કે કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરે, જેથી સમન્સ અને વોરંટની બજવણી સમયસર થાય અને કેસોનો ભરાવો ઘટે. તેમણે ઉમેર્યું કે પોલીસ કેસમાં તો કોર્ટ સુઓમોટો કન્ટેમ્પ્ટની નોટિસ પણ ઇસ્યુ કરી શકે છે. અગાઉ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાથે આ મુદ્દે ઘણી વાર ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.
હવે જોવાનું એ રહે છે કે વકીલોની આ રજૂઆત બાદ પોલીસ સામે કાર્યવાહી થાય છે કે પછી વકીલો હડતાળનું શસ્ત્ર ઉગામે છે.