અમદાવાદના ભાડજ વિસ્તારમાં રહેતા જમીન વેપારી રશ્મિન પટેલ સાથે 4 કરોડ 70 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ધરમશી રબારી અને દીપક ત્રિપાઠી સહિત કુલ 10 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લગભગ 10 મહિના પહેલાં ધરમશી રબારી અને દીપક ત્રિપાઠી ફરિયાદીને મળ્યા હતા. બંને અગાઉથી પરિચિત હોવાથી ફરિયાદીએ તેમના પર ભરોસો કર્યો. બંનેએ ઓગણજ ગામની સીમમાં આવેલા સર્વે નંબર 955/4/1, 955/1 અને 926ની જમીનો વેચવાની ઓફર કરી. ત્યારબાદ તેમણે ફરિયાદીની મુલાકાત જમીનના મૂળ માલિકો તરીકે ઓળખાવેલા અન્ય વ્યક્તિઓ સાથે કરાવી.
આરોપીઓએ જમીનના મૂળ માલિકો બળદેવભાઈ પટેલ, કાન્તાબેન, મીનલબેન અને હિતેન્દ્રકુમારના નામે બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે બેંકમાં ખોટા ખાતાં ખોલાવ્યાં અને નકલી ખેડૂતો ઊભા કર્યા. આ બોગસ ખેડૂતોના નામે 19 જાન્યુઆરી 2026ના રોજ નોટરી બાનાખત તથા 30 એપ્રિલ 2026 અને 6 મે 2026ના રોજ વેચાણ દસ્તાવેજ કરાવી આપ્યા. આ વ્યવહારો પેટે આરોપીઓએ ફરિયાદી પાસેથી બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને કુલ 4,70,00,000 રૂપિયા લીધા હતા. દસ્તાવેજોમાં અન્ય આરોપીઓએ ખોટા સાક્ષી તરીકે સહીઓ કરી હતી.
ફરિયાદીએ ખરીદેલી જમીનો પોતાના નામે સરકારી રેકોર્ડમાં ચઢાવવા અરજી કરી, ત્યારે નિયમ મુજબ જમીનના મૂળ માલિકોને નોટિસ મોકલાઈ. નોટિસ મળતાં જ સાચા માલિકોએ ફરિયાદીનો સંપર્ક કરીને પોતાના અસલી સરકારી રેવન્યુ રેકોર્ડ બતાવ્યા અને સ્પષ્ટ કર્યું કે તેમણે પોતાની જમીન કોઈને વેચી નથી. આ હકીકત જાણતાં ફરિયાદીને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો.
ત્યારબાદ ફરિયાદીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરીને ખોટા દસ્તાવેજો અને બાનાખત રદ કરાવ્યા. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.