સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદનો 192 વર્ષ જૂનો લાલદંડા સંઘ અંબાજી પહોંચ્યો, ગેટ નંબર 7થી અનોખો પ્રવેશ

અમદાવાદનો 192 વર્ષ જૂનો લાલદંડા સંઘ અંબાજી પહોંચ્યો, ગેટ નંબર 7થી અનોખો પ્રવેશ

ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ માતા અંબાના ધામ અંબાજી પહોંચ્યો છે. આ સંઘની પરંપરા 192 વર્ષ જૂની છે, જે આઝાદી પહેલાના સમયથી પેઢી દર પેઢી ચાલી આવે છે.

શ્રદ્ધાળુઓ એક ધજા, ધૂપિયું અને ત્રિશૂળ સાથે પગપાળા અંબાજી પહોંચે છે. બીજા પગપાળા સંઘો શક્તિદ્વારથી પ્રવેશ કરે છે, પણ લાલદંડા સંઘની પોતાની પરંપરા મુજબ એ લોકો ફક્ત ગેટ નંબર 7 પરથી જ મંદિરમાં પ્રવેશ કરે છે.

અંબાજી પહોંચ્યા બાદ ખોડિયાર માતાના મંદિરે મુખ્ય ગોર મહારાજ શ્રદ્ધાળુઓને કમરના ભાગે કુમકુમના થાપા લગાવીને આશીર્વાદ આપે છે.

આ સંઘની યાત્રામાં મહિલાઓ પણ પુરુષો સાથે ઉત્સાહથી જોડાય છે. મંદિર પહોંચતા ટ્રસ્ટના ચેરમેન, કલેક્ટર અને વહીવટદાર દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવે છે.

આ યાત્રા ફક્ત ધાર્મિક નથી. એક મહામારી સામે લેવાયેલી માનતાથી આ પરંપરા શરૂ થઈ હતી અને આજે પણ એ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બનીને ચાલે છે.