અમદાવાદના બાવળાના બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં ગણપતિ વિસર્જન બાદ નહાવા પડેલા બે કિશોરો ડૂબી ગયા હતા. જેમાંથી એક કિશોરનો આબાદ બચાવ થયો છે, જ્યારે બીજા કિશોરની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ગણપતિ વિસર્જનના પાવન પ્રસંગે શ્રદ્ધાળુઓ દ્વારા 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોરો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ડૂબવાની ઘટનામાં મહાવીર ગંભુભાઈ ચૌહાણ નામના કિશોરને તરતા આવડતું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે. જ્યારે હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ પાણીમાં ગરકાવ થતાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. બંને કિશોરો બગોદરાના રહેવાસી હોવાનું જણાય છે.
ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ કરૂણાંતિકાથી સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.