સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગની કાર્યવાહી: ગોમતીપુરથી 40,000 કિલો શંકાસ્પદ માવો સીલ

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગની કાર્યવાહી: ગોમતીપુરથી 40,000 કિલો શંકાસ્પદ માવો સીલ

દિવાળી નજીક આવતાં અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણની માંગ વધી છે. આ સમયે મીઠાઈમાં ભેળસેળ રોકવા અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો હેલ્થ અને ફૂડ વિભાગ ચેકિંગમાં ઉતર્યો છે.

શહેરમાં મીઠાઈમાં વપરાતા માવા અને અન્ય કાચા માલનું ચેકિંગ ચાલી રહ્યું છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીના કોલ્ડ સ્ટોરેજમાંથી અંદાજે 40,000 કિલો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. માવાની ગુણવત્તા પર શંકા જતાં આખો જથ્થો જપ્ત કરીને સ્થગિત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે, આ માવો ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ જેવી મીઠાઈઓ બનાવવામાં વપરાતો હતો. ફૂડ વિભાગે માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. માવામાં અખાદ્ય પદાર્થ કે ભેળસેળ છે કે નહીં, તે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.

AMC ફૂડ વિભાગના વરિષ્ઠ અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું કે દિવાળીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો સતત ચેકિંગ કરી રહી છે. ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાં 15થી 20 મોટા વેપારીઓએ મીઠાઈ બનાવવા માટે 1 લાખ કિલોથી વધુ માવો સંગ્રહિત કર્યો છે.

ડો. શાહે વધુમાં જણાવ્યું કે રાધિકા ફૂડ પ્રોડક્ટ્સનો જે 40,000 કિલો માવો સીલ કરાયો છે, તેના પર કોઈ એક્સપાયરી ડેટ કે બેચ નંબર લખેલો નહોતો. આ માવો કેટલા સમય પહેલા બન્યો અને તે ખાવા લાયક છે કે નહીં, તે સ્પષ્ટ નથી. આથી જનઆરોગ્યના હિતમાં આ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

આ ઝુંબેશ ફક્ત એક કંપની પૂરતી મર્યાદિત નથી. ગોમતીપુર અને આસપાસના વિસ્તારોમાં અન્ય મીઠાઈના વેપારીઓ અને યુનિટોમાં પણ તપાસ ચાલી રહી છે. વિભાગે રજવાડી સ્વીટ, નીલકંઠ સ્વીટ અને બજરંગી સ્વીટ જેવી જાણીતી કંપનીઓના માવા અને મીઠાઈના સેમ્પલ પણ લીધા છે. આજે કુલ 15 જેટલા વેન્ડર્સ પાસેથી મીઠાઈ, ફરસાણ અને માવાના નમૂના લેવાયા છે.

જો લેબોરેટરીના રિપોર્ટમાં માવો અખાદ્ય કે ભેળસેળયુક્ત સાબિત થશે, તો જવાબદાર વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ વિભાગે જણાવ્યું છે.