અમદાવાદના ખોખરા વિસ્તારમાં જીવનરક્ષા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક બંધ ફ્લેટમાંથી સોમવારે 60 વર્ષીય લક્ષ્મીબેન ડાભીની લાશ બેગમાં ભરેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, બંધ ફ્લેટમાંથી છેલ્લા કેટલાક સમયથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિક રહીશોને આ બાબતે શંકા થતાં તેમણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફ્લેટની અંદર તપાસ કરતાં એક બેગ મળી આવી હતી. બેગ ખોલતાં તેમાંથી લક્ષ્મીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. FSLની મદદથી ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ અને શંકાસ્પદ નમૂનાઓ સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં વૃદ્ધાની હત્યા કરીને લાશ બેગમાં છુપાવવામાં આવી હોવાની આશંકા છે. જોકે મૃત્યુ કયા સંજોગોમાં અને કયા કારણોસર થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ખોખરા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને સઘન તપાસ શરૂ કરી છે.