સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ખાડિયામાં જૂનું મકાન ધરાશાયી, માતા-પુત્રી સહિત ત્રણનું રેસ્ક્યૂ

અમદાવાદના ખાડિયામાં જૂનું મકાન ધરાશાયી, માતા-પુત્રી સહિત ત્રણનું રેસ્ક્યૂ

અમદાવાદમાં રવિવારે (13 સપ્ટેમ્બર) સાંજે કાળા-ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદી માહોલ વચ્ચે શહેરના કોટ વિસ્તારમાંથી એક મોટી દુર્ઘટના બની હતી. ખાડિયા ચાર રસ્તા પાસે આવેલું એક જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ જતાં આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ખાડિયા ચાર રસ્તા પાસે લાલાભાઈની બારી અને પાંચકુવા દરવાજા પાછળ આવેલું આ મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા 27 વર્ષીય જાનવીબહેન રાણા, 23 વર્ષીય પાર્થ રાણા અને 42 વર્ષીય આશાબહેનને સદ્ભાગ્યે જીવતા બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રી સહિત ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.