અમદાવાદમાં SG હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના 4.03 કિમી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજ ખુલવાથી ગાંધીનગર તરફ આવ-જા કરતા લોકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે.
આ કોરિડોરની ખાસિયત તેની ‘ઊંધો ટી’ ડિઝાઇન છે. આખો બ્રિજ સિંગલ પિલર પર ઊભો કરાયો છે, જેથી નીચેનો રસ્તો બંને બાજુથી ખુલ્લો અને પહોળો રહે છે. કોરિડોર ખુલ્લો મૂકાતાં રોજ 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની ધારણા છે.
બ્રિજ પર ચઢવા-ઉતરવા માટે અલગ-અલગ રેમ્પ બનાવવામાં આવ્યા છે. કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી તરફ જતાં ઇસ્કોન બ્રિજ પરથી ચઢી શકાશે અને પછી કર્ણાવતી, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) તથા YMCA નીચે ઉતરવા માટે ત્રણ રેમ્પ છે. સરખેજ-સાણંદ ચોકડીથી કર્ણાવતી તરફ જતાં YMCA ક્રોસ રોડ, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને કર્ણાવતી પાસે ચઢવા માટે રેમ્પ બનાવાયા છે. આનાથી વાહનચાલકોને YMCA, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર લાંબા સમય સુધી ઊભા રહેવાની ફરજ પડશે નહીં.