સત્ય. સાહસ. સંકલ્પ.

હરણીકાંડ બાદ અમદાવાદના કાંકરિયામાં અઢી વર્ષથી બોટિંગ બંધ, 16 ઓક્ટોબરે શરૂ થવાની આશા

હરણીકાંડ બાદ અમદાવાદના કાંકરિયામાં અઢી વર્ષથી બોટિંગ બંધ, 16 ઓક્ટોબરે શરૂ થવાની આશા

વડોદરાના હરણી તળાવ બોટકાંડ બાદ અમદાવાદના કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ પર અઢી વર્ષથી બોટિંગ બંધ છે. આ સમયગાળામાં એક બોટચાલક રોજ સવારે પોતાની પાર્ક કરેલી બોટની પૂજા કરે છે અને રોજગારી પાછી મળવાની આશા રાખે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાયસન્સિંગ પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે. 16 ઓક્ટોબરે કમિશનર સ્તરે મંજૂરી મળતાં જ બોટિંગ સેવા ફરી શરૂ થઈ શકે છે.

નિયમો અનુસાર બોટચાલકોએ તમામ જરૂરી સુધારા પૂરા કરી દીધા છે. લેક ફ્રન્ટ વિસ્તારમાં CCTV કેમેરા લગાવી દેવાયા છે અને રિયલ-ટાઇમ મોનિટરિંગ માટે સ્પેશિયલ કંટ્રોલ સેન્ટર પણ સજ્જ કરાયું છે. બોટની ચકાસણી અને સેફ્ટી ઇક્વિપમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

કાંકરિયા લેક ફ્રન્ટના મેન્ટેનન્સ અને સૌંદર્યીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ બોટિંગ અને રાઇડ્સ બંધ હોવાથી સહેલાણીઓ અને બાળકોની કિલકારીઓ ગાયબ છે. કેટલાક સ્થાનિકો અને પ્રવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે હવાઈ પરિવહન અકસ્માત બાદ પણ ચાલુ રહે છે, તો બોટિંગ સેવાઓ કેમ બંધ રાખવામાં આવી છે.

AMC અધિકારીઓએ જણાવ્યું કે, 16 ઓક્ટોબરે આ મુદ્દે મહત્વની બેઠક યોજાશે, જેમાં સત્તાવાર પરમિશન આપવા અંગે આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની બેઠક બાદ બોટચાલકોની રોજીરોટી અને અમદાવાદીઓનું મનોરંજન પાછું પાટા પર ચડે છે કે નહીં.