અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9થી 12 દિવાળી પહેલાં શરૂ થવાની શક્યતા છે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થતાં દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
પ્લેટફોર્મ શરૂ કરતાં પહેલાં રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. 27મી ઓક્ટોબરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ બાદ મંજૂરી મળતાં પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી છે.
સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 9થી 12ને ફરી શરૂ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ એપ્રિલમાં પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સમયમર્યાદા વધારી ઓગસ્ટ કરવામાં આવી હતી. જોકે, ટેક્નિકલ કારણોસર કામગીરીમાં વિલંબ થતાં હવે દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
પ્લેટફોર્મ નંબર 9 પર હાલમાં બ્લોક હોવાથી તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. જ્યારે પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોવાથી આ ત્રણેય પ્લેટફોર્મ પર ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં CRSનું નિરીક્ષણ જરૂરી છે. આ ઉપરાંત ટ્રેક, OHE અને સિગ્નલ સિસ્ટમની યોગ્યતા પણ ચકાસવામાં આવી રહી છે. નિરીક્ષણ અને જરૂરી મંજૂરી બાદ પ્લેટફોર્મ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે.
કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પ્લેટફોર્મ 9થી 12 શરૂ થવું મહત્વનું છે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થયા બાદ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લેવામાં આવશે. ત્યારબાદ આ પ્લેટફોર્મ પર રિડેવલપમેન્ટની મુખ્ય કામગીરી હાથ ધરાશે.
નવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થતાં ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફાર કરીને જૂના પ્લેટફોર્મ પર કામ કરવાની જગ્યા મળશે. આથી સ્ટેશનના પુનર્વિકાસની કામગીરી તબક્કાવાર આગળ વધારી શકાશે. દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતાં ચારેય પ્લેટફોર્મ શરૂ થવાથી ટ્રેન વ્યવસ્થાપનમાં પણ રાહત મળવાની અપેક્ષા છે.