સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: કાગડાપીઠમાં જૂની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા, આરોપી ઝડપાયો

અમદાવાદ: કાગડાપીઠમાં જૂની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા, આરોપી ઝડપાયો

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગત 9 નવેમ્બરની મોડી રાત્રે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના જૂની અદાવતને કારણે બની છે.

આ અંગે માહિતી આપતાં જે ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી એન. કે. વ્યાસે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે કાગડાપીઠ ચાલી વિસ્તારમાં પ્રેમ ઉર્ફે બબલી પ્રકાશ દંતાણી અને તેના ભાઈનો આરોપી પ્રભાતભાઈ બાબુભાઈ સોલંકી સાથે જૂની અદાવતમાં ઝઘડો થયો હતો. આજથી એક-દોઢ મહિના પહેલાં મૃતક પ્રિન્સ દંતાણી અને આદેશ સોલંકી/ચાવડા વચ્ચે માથાકૂટ ચાલતી હતી. આ અદાવતમાં પ્રભાત ઉર્ફે ચોટિયા સોલંકીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, "તારા મિત્રને ઘણી ચરબી ચડી છે, આવે એટલે પતાવી દેવાનો છે."

શાબ્દિક બોલાચાલી અને ગાળાગાળી બાદ વાતાવરણ ઉગ્ર બનતાં પ્રભાતે કાયદો હાથમાં લઈને પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી પર છરી વડે તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રિન્સને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રભાત ઉર્ફે ચોટિયા સોલંકીને રાઉન્ડઅપ કરી લીધો છે. ઝઘડા દરમિયાન આરોપીને પણ ઈજાઓ થઈ હોવાથી તેને હાલ એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ તેને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ કરશે. આ સમગ્ર પ્રકરણમાં બંને પક્ષોની રહેણાંક ચાલીઓ નજીક-નજીક હોવાથી વાતાવરણ વણસે નહીં તે માટે કાગડાપીઠ પોલીસે સામસામે ફરિયાદો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામે પ્રેમસંબંધની શંકામાં એક પિતાએ પોતાની 21 વર્ષીય દીકરીની દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.