સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: જડતર બહાને ₹87.81 લાખની છેતરપિંડી, દંપતી સહિત ત્રણ આરોપી ફરાર

અમદાવાદ: જડતર બહાને ₹87.81 લાખની છેતરપિંડી, દંપતી સહિત ત્રણ આરોપી ફરાર

અમદાવાદના સીજી રોડ પર સોના-ચાંદીના દાગીનાનું શોરૂમ ચલાવતા પ્રહલાદનગરના વેપારી સંજય શાહ સાથે ₹87.81 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. નવા વાડજમાં 'એસ.એસ. ઓર્નામેન્ટ્સ' નામની દુકાન ચલાવતા દિપેન અશોક સોની, તેમની પત્ની ખુશ્બુ સોની અને ભાગીદાર પાર્થ સોની સામે વાડજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ત્રણેય આરોપીઓ દુકાન અને ઘર ખાલી કરીને ફરાર થઈ ગયા છે.

પોલીસ ફરિયાદ મુજબ, સંજય શાહે જડતર (દાગીના પર થતું કામ) કરાવવા માટે નવા વાડજ ખાતેની 'એસ.એસ. ઓર્નામેન્ટ્સ'ના સંચાલકોનો સંપર્ક કર્યો હતો. ડિસેમ્બર 2025ની શરૂઆતમાં તેમણે ત્રણ સોનાના સેટ જડતર માટે આપ્યા હતા, જે સમયસર પરત મળી જતાં તેમનો ત્રણેય પર વિશ્વાસ બેસી ગયો હતો.

ત્યારબાદ સંજયે ₹87.81 લાખની કિંમતના વધુ 17 સોનાના સેટ જડતર કામ માટે આપ્યા હતા. આ દાગીના દિપેન અને પાર્થે સ્વીકાર્યા હતા, જ્યારે પહોંચ ખુશ્બુ સોનીએ આપી હતી. કામ પૂરું થયા બાદ સંજયના કારીગરે દિપેનને ફોન કરતાં તેણે રાત્રે દાગીના લઈ જવા જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ તેમના તમામ મોબાઈલ નંબર સ્વીચ ઓફ થઈ ગયા હતા.

બીજા દિવસે સંજયના માણસોએ નવા વાડજ સ્થિત દુકાને પહોંચી તપાસ કરતાં સોસાયટીના ચેરમેન પાસેથી જાણવા મળ્યું કે ત્રણેય જણા આગલી રાત્રે જ દુકાન ખાલી કરીને નીકળી ગયા છે. વેપારીએ ન્યૂ રાણીપ સ્થિત તેમના નિવાસસ્થાને તપાસ કરતાં ઘર પણ ખાલી મળ્યું હતું. આ મામલે વાડજ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.