અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં કામ કરતા કારીગરે માલિક સાથે વિશ્વાસઘાત કરીને 7.56 લાખ રૂપિયાનું સોનું ચોરી લીધાની ઘટના સામે આવી છે. આ અંગે દુકાન માલિકે પોતાના જ કારીગર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, કાલુપુરમાં આવેલી સંદીપ જ્વેલર્સના માલિક સંદીપ ઘોષે તેમના કારીગર વિશ્વનાથ ઉર્ફે વિસુ વિરુદ્ધ સોનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. 19મી ઓગસ્ટના રોજ અન્ય એક વેપારી યતિનકુમાર પટેલ તરફથી તેમને 198 ગ્રામ 24 કેરેટ કાચું સોનું ચાર બંગડીઓ બનાવવા માટે મળ્યું હતું.
સંદીપ ઘોષ અને તેમના કારીગર વિશ્વનાથે કામ શરૂ કર્યું હતું અને 28મી ઓગસ્ટ સુધીમાં 160 ગ્રામની 22 કેરેટ સોનાની ચાર બંગડીઓ તૈયાર કરી લીધી હતી. આ તૈયાર બંગડીઓ અને 55 ગ્રામ જેટલો સોનાનો ભુક્કો તિજોરીમાં મૂકીને તેઓ દુકાન બંધ કરીને ગયા હતા.
29મી ઓગસ્ટે સવારે દુકાન ખોલ્યા બાદ આ બંગડીઓ અને ભુક્કો વિશ્વનાથને ફાઇનલ ટચિંગના કામ માટે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશ્વનાથ ચા પીવા જવાનું કહીને દુકાનેથી નીકળ્યો હતો, પરંતુ ઘણો સમય થયા પછી પણ તે પાછો આવ્યો નહીં અને તેનો ફોન પણ બંધ આવતા સંદીપ ઘોષને શંકા ગઈ હતી.
તપાસ કરતાં જાણવા મળ્યું કે વિશ્વનાથ 38 ગ્રામની એક બંગડી અને 14 ગ્રામ સોનાનો ભુક્કો, એમ કુલ 7,56,048 રૂપિયાનું સોનું ચોરીને ભાગી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.