અમદાવાદના જમાલપુર APMC માર્કેટમાં શિયાળાની શરૂઆત થતાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. જેના કારણે મોડી રાતથી ટ્રક અને ટેમ્પોની લાંબી કતારો લાગી છે. આ વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતાં મુખ્ય રસ્તો બ્લોક થઈ જાય છે અને સવારે 6 વાગ્યા સુધી ટ્રાફિક જામની સમસ્યા રહે છે.
આ સમસ્યાને કારણે સવારે નોકરી-ધંધે નીકળતા વાહનચાલકો અને ST બસોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવા અત્યાવશ્યક વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષે શિયાળાની ઋતુમાં પુનરાવર્તિત થાય છે. તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને APMC પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે અને માર્કેટની અંદર વ્યવસ્થિત પાર્કિંગની જગ્યા ફાળવવા તેમજ રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસની તૈનાતી કરવાની માંગ કરી છે.