સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: જૈન ગુરુનો નકલી ઓડિયો વગાડી વેપારી પાસેથી 21.79 લાખની ઠગાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદ: જૈન ગુરુનો નકલી ઓડિયો વગાડી વેપારી પાસેથી 21.79 લાખની ઠગાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ધર્મ અને દાનના નામે એક વેપારી પાસેથી 21.79 લાખ રૂપિયા પડાવી લેવાના આરોપમાં પોલીસે તેજસ શાહ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીને ગાંધીનગરના મહુડી વિસ્તારમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ વેપારી મયુર શાહને ફોન કરીને પોતે પાલડી ખાતે આવેલા 'નરરત્ન મહારાજ જૈન ઉપાશ્રય' સાથે જોડાયેલો હોવાની ખોટી ઓળખ આપી હતી. વાતચીત દરમિયાન વેપારીનો વિશ્વાસ જીતવા માટે તે પોતાના ફોનમાંથી જૈન ગુરુ મહારાજ બોલતા હોય તેવો નકલી ઓડિયો વગાડતો હતો. ધાર્મિક કાર્યો અને દાનનું બહાનું આપીને તેણે ટુકડે-ટુકડે કરીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.

છેતરપિંડીનો અહેસાસ થતાં વેપારીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને ગાંધીનગરના મહુડી સ્ટાફ ક્વાર્ટરથી ઝડપી પાડ્યો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી માત્ર ધોરણ 8 પાસ છે અને તેના પિતા મહુડી મંદિરમાં પરબની નિઃસ્વાર્થ સેવા આપે છે. જ્યારે પુત્રએ ધર્મના નામે પડાવેલા આશરે 22 લાખ રૂપિયા ઓનલાઇન સટ્ટામાં હારી દીધા હતા.

આરોપીએ અન્ય લોકોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.