સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદનું 'જેલ ભજીયા હાઉસ' હવે નવા હેરિટેજ લુકમાં, 3 માળની ઈમારતમાં ગાંધી થાળી અને મ્યુઝિયમ

અમદાવાદનું 'જેલ ભજીયા હાઉસ' હવે નવા હેરિટેજ લુકમાં, 3 માળની ઈમારતમાં ગાંધી થાળી અને મ્યુઝિયમ

અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલું લોકપ્રિય 'જેલ ભજીયા હાઉસ' હવે નવા સ્વરૂપમાં લોકો સમક્ષ આવી રહ્યું છે. સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત આ ફૂડ આઉટલેટને અઢી કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન અને નયનરમ્ય 'હેરિટેજ લુક' આપવામાં આવ્યો છે.

ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ નવા ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભજિયા અને ફરસાણનું વેચાણ કરવામાં આવશે. અહીં ગ્રાહકો માટે ગરમાગરમ ભજિયા માણવા સુવ્યવસ્થિત બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્રથમ માળે ડાઇનિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં કેદીઓ દ્વારા તૈયાર કરાતી વિશેષ 'ગાંધી થાળી' પીરસવામાં આવશે. સાત્વિક ભોજન ધરાવતી આ થાળી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે.

બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિઓને જીવંત કરતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આઝાદીના આંદોલન દરમિયાન સાબરમતી જેલમાં કેદ રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા સેનાનીઓના જેલવાસ દર્શાવતી ફોટો ગેલેરી અહીં જોવા મળશે.

નવા ભવનમાં 'જેલર અને કેદી'ની થીમ પણ ઉમેરવામાં આવી છે, જેથી મુલાકાતીઓ ભોજન સાથે જેલના વાતાવરણનો અનુભવ પણ મેળવી શકે. આ પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેદીઓના કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં તેમના પુનર્વસન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાનો છે. અમદાવાદના ફૂડ કલ્ચરનો અભિન્ન અંગ બનેલા 'જેલ ભજીયા હાઉસ'નું ટર્નઓવર પણ નોંધપાત્ર રહ્યું છે.