અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી બ્લ્યુ વેલ બાંધકામ સાઇટ પર 11 ઓક્ટોબરે 15 વર્ષીય સગીર શ્રમિક સચિનનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના સાઇટ પર સુરક્ષાના અભાવ અને પાણી ભરેલી જગ્યામાં ખુલ્લા વીજ વાયરોના કારણે બની હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયું છે.
ફરિયાદી મીસમ રમેશભાઈ ગરાસીયાએ જણાવ્યું કે તેમના નાના ભાઈ સચિન અન્ય શ્રમિકો સાથે 11 ઓક્ટોબરે જગતપુરની બ્લ્યુ વેલ સાઇટ પર મજૂરીકામ માટે ગયો હતો. સાઇટના મુખ્ય કોન્ટ્રાક્ટર કાંતીભાઈ મિસ્ત્રી અને સુપરવાઇઝર નાનજીભાઈ સોલંકીએ સચિનને લોખંડના ઘોડા ઊંચકીને પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. બપોરે સચિન અન્ય એક શ્રમિક સાથે લોખંડનો ઘોડો લઈને જઈ રહ્યો હતો, ત્યારે જમીન પર પાણી ભરાયેલું હતું અને ત્યાંથી પસાર થતા મશીનના ખુલ્લા વીજ વાયર પર તેનો પગ પડી ગયો.
પાણી અને જોખમી રીતે રખાયેલા વાયરના સંપર્કમાં આવતાં સચિનને વીજ કરંટ લાગ્યો અને તે બેભાન અવસ્થામાં જમીન પર પટકાઈ ગયો. કરંટના કારણે તેના બંને પગના પંજાના ભાગે ઈજા થઈ હતી. તેને તાત્કાલિક રિક્ષામાં નજીકની જેન્સીસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
ફરિયાદીનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને બિલ્ડરે શ્રમિકોને સુરક્ષા માટે કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપ્યા ન હતા અને સાઇટ પર ખુલ્લા વીજ વાયરો જોખમી રીતે રાખવામાં આવ્યા હતા. આ બેદરકારીના કારણે જ સચિનનું મૃત્યુ થયું હોવાથી જવાબદારો સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.