અમદાવાદના જગતપુર વિસ્તારમાં 12 વર્ષની એક બાળકી સાથે અડપલા કરવાના આક્ષેપ બાદ બે પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં બાળકીના પિતા ઘરે દોડી આવ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન એક મહિલાએ બાળકીની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી હોવાનો અને બાળકીના પિતા પર છરી સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
જગતપુરમાં રહેતા એક આધેડની પત્નીએ બે દિવસ પહેલાં ફોન કરીને તેમને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું. આધેડ ઘરે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમની 12 વર્ષની દીકરી બ્લોકમાં રહેતા બે બાળકો સાથે ઘરે રમવા ગઈ હતી. ત્યાં એક બાળક અને તેના પિતાએ સગીરાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટના બાદ આધેડની પત્નીએ બાળકના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન ઉપાડવામાં આવ્યો નહોતો.
ત્યારબાદ આધેડની પત્ની દીકરી સાથે નીચે બેઠી હતી, ત્યારે બાળક અને તેની માતા ત્યાં પહોંચ્યાં હતાં. બાળકની માતાએ પોતાના દીકરાને બદનામ કરવાનો આક્ષેપ કરતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બાળકની માતાએ સગીરાની માતાની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી અને બાળકના પિતા અને બાળકે સગીરાના પિતા પર છરીથી હુમલો કર્યો હતો. હોબાળો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
આ મારામારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક મહિલા અન્ય મહિલાની આંખમાં મરચાંની ભૂકી નાખી રહી છે. સાથે જ ઝપાઝપી પણ થઈ રહી છે. તો બાજુમાં એક વ્યક્તિ કમરમાંથી છરી કાઢીને સામેની વ્યક્તિ પર હુમલો કરે છે. આ હુમલામાં સગીરાના પિતાને પેટના ભાગે ઈજા પહોંચી છે. સોસાયટીના અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.