સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં આવતીકાલે ઈસ્કોન બ્રિજ ખુલશે, અમિત શાહ ₹1,500 કરોડના 30 પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

અમદાવાદમાં આવતીકાલે ઈસ્કોન બ્રિજ ખુલશે, અમિત શાહ ₹1,500 કરોડના 30 પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

અમદાવાદમાં ઈસ્કોન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીનો 4 કિમી લાંબો 6 લેનનો એલિવેટેડ બ્રિજ આવતીકાલે લોકો માટે ખુલ્લો મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બ્રિજનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત તેઓ ₹1,500 કરોડથી વધુના 30થી વધુ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

ગુજરાત યુનિવર્સિટીને ચાર મહિને કુલપતિ

ગુજરાત યુનિવર્સિટીના 19મા કુલપતિ તરીકે ડૉ. પૃથુલ દેસાઈએ ચાર્જ સંભાળ્યો છે. ચાર મહિનાના વચગાળા બાદ યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે. નવા કુલપતિએ યુનિવર્સિટીને A+ ગ્રેડમાંથી A++ ગ્રેડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

રાજકોટમાં 2500 વેપારીઓનું સામૂહિક ચોપડા પૂજન

રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે 2500 વેપારીઓએ સામૂહિક ચોપડા પૂજન કર્યું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લેપટોપ, ચોપડા અને ટેબ્લેટની પૂજા કરવામાં આવી.

સુરતથી બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન રવાના

સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસમાં 60 હજાર મુસાફરો વતન જવા રવાના થયા છે. દર બે કલાકે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા બાકી નથી.

અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો

અમરેલીમાં સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો. ટ્રેનના એક કોચનો કાચ તૂટ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

કાળી ચૌદશે અમદાવાદ-રાજકોટની હવા ખરાબ

કાળી ચૌદશના દિવસે અમદાવાદ અને રાજકોટની હવા ખૂબ ખરાબ થઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં AQI 240, રખિયાલ વિસ્તારમાં 239 અને રાયખડ વિસ્તારમાં 232 સુધી પહોંચ્યો હતો.

જૂનાગઢમાં 42 વર્ષથી ઘરની સ્ત્રીઓનું પૂજન

જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પરિવારમાં 42 વર્ષથી પુરુષો ઘરની સ્ત્રીઓનું પૂજન કરી તેમની માફી માગે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે.

જમીન વિવાદમાં વેપારીએ કેનાલમાં ઝંપલાવ્યું

જમીનના વિવાદમાં નરોડાના એક વેપારીએ કેનાલમાં ઝંપલાવી દીધું છે. ગાંધીનગરના ડભોડામાં વેચેલી જમીન પરત આપવા માટે તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં બંધ મકાનમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી

દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. વડોદરાના આજવા રોડ પર એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી થઈ છે.

અમદાવાદમાં અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ

અમદાવાદના ચાંદખેડામાં અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ થઈ છે. ગઠિયાઓએ RTOની ઈ-ચલણની APK ફાઈલ મોકલીને તેમના ખાતામાંથી ₹3.26 લાખ ટ્રાન્સફર કરી લીધા છે. સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી છે.