અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર 15 સપ્ટેમ્બરની વહેલી સવારે 03:30 વાગ્યે એક કાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરથી ઘરે જઈ રહેલા 20 વર્ષીય હેત પરીખની કાર પૂરઝડપને કારણે બેકાબૂ બનીને ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, હેત પરીખ (રહેવાસી મકાન નંબર 103, શેફલ ગારનેટ એપાર્ટમેન્ટ, આનંદનગર, સેટેલાઇટ) ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં કાર ચલાવતા તેમનું બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બ્રિજ પર મૂકેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કારચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજાઓ પહોંચી નથી.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જાહેરમાં પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ પોલીસે હેત પરીખ સામે ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન બ્રિજ ઊતરીને કર્ણાવતી ક્લબ તરફ જતા રોડને બીજા બ્રિજ સાથે જોડવાની કામગીરી ચાલુ છે. જેને લીધે ઇસ્કોન બ્રિજનો વાઇડ એન્ગલ સામેનો રેમ્પ બે દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ અકસ્માત ડાયવર્ઝનના પતરા સાથે થયો હોવાનું જાણવા મળે છે.