અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018) કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ફરીને સર્વિસ રોડ પર પડેલી BMW સહિત ત્રણ કારને અથડાઈ હતી. અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હિમાંશુ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી કાર લાવ્યો હતો અને કારમાં કુલ 6 યુવકો સવાર હતા.
અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં બેફામ સ્પીડમાં આવતી કાર કેવી રીતે દિશા બદલીને એક પછી એક ગાડીઓને અથડાઈ તે જોઈ શકાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઇનોવા કાર આગળ પડેલી i20 ગાડી સાથે અથડાઈ અને ત્યારબાદ રિવર્સ થઈને ત્યાં સ્થિત BMW કાર સાથે ભટકાઈ હતી. અકસ્માત સમયે BMW કારમાં ચાલક હાજર હતો, પરંતુ સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી ન હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા અકસ્માત સર્જનાર હિમાંશુને 108 એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, સારવાર દરમિયાન હિમાંશુ પોલીસને થાપ આપીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે SG 2 ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાના ડર વગર રોડ પર ઓવર સ્પીડિંગમાં ગાડીઓ દોડાવતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા આવા ચાલકો સામે પોલીસ ક્યારે સખત પગલા લેશે તે મોટો સવાલ ઉભો થયો છે.
આ ઉપરાંત, અમદાવાદ શહેરના PSI ભરત પંડ્યાનો પણ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં PSI પંડ્યાની (GJ04 DA6745) ક્રેટાની ડેકીમાં દારૂની બોટલ હતી. તેમણે દારૂ પીધેલી હાલતમાં સાબરમતીના ત્રાગડ રબારી વાસના નાકે ગાડી ચલાવી અકસ્માત કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ PSI પંડ્યાને ઘેરીને વિડિયો બનાવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી PSI પંડ્યા અને ગાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનથી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે.
PSI ભરત પંડ્યા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલ બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવે છે અને રિંગ રોડ તરફ રહે છે. અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો વિડિયો સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ થોડા સમય અગાઉ તેમણે તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી, જે મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી.