અમદાવાદમાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે. નવ દિવસ ચાલનારા આ મહોત્સવમાં પુસ્તકો સાથે ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળશે.
ફેસ્ટિવલમાં કવિતા, ગઝલ, હાસ્ય, લોકનાટ્ય, ભજન અને દેશભક્તિ સંગીતના વિશેષ કાર્યક્રમો યોજાશે. જાણીતા કવિઓ, સાહિત્યકારો, ગઝલકારો અને કલાકારોની રજૂઆતોને કારણે આ ફેસ્ટિવલ પુસ્તકપ્રેમીઓ ઉપરાંત સાહિત્ય અને સંગીતના રસિયાઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફેસ્ટિવલના પ્રથમ દિવસે, 24 ઓક્ટોબરે, જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક નિરંજન ભગતની 100મી જન્મજયંતી નિમિત્તે તેમને સમર્પિત કવિ સંમેલન યોજાશે. આ સંમેલનમાં અનેક જાણીતા કવિઓ ભાગ લેશે. નિરંજન ભગતને 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. કવિ સંમેલન દ્વારા ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવશે.
25 ઓક્ટોબરે 'રિવરફ્રન્ટ રિટ્રીટ' કાર્યક્રમમાં પુસ્તકો, વિચારો અને અમદાવાદની આગવી ઓળખ અંગે સંવાદ થશે. આ કાર્યક્રમમાં સાહિત્ય અને શહેર સાથે જોડાયેલા અનુભવો તથા વિચારોની આપ-લે થશે.
26 ઓક્ટોબરે 'શબ્દસિમ્ફની' કાર્યક્રમમાં દિવંગત સંગીતકાર ગૌરાંગ વ્યાસની યાદગાર રચનાઓને સંગીતમય સૂરાંજલિ આપવામાં આવશે.
27 ઓક્ટોબરે એક ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી લોકહાસ્ય નાટક 'જિથરો ભાભો' રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની લોકકથાઓથી પ્રેરિત આ નાટકમાં લોકપરંપરા, વ્યંગ્ય અને વાર્તાકથનનો સમન્વય જોવા મળશે. ચંદ્રવદન મહેતાની જન્મશતાબ્દી નિમિત્તે આ રજૂઆત તેમને અર્પણ કરવામાં આવી છે.
28 ઓક્ટોબરે ભજનપ્રેમીઓ માટે 'ભજનક્લબિંગ' કાર્યક્રમ યોજાશે. લોકસંગીત અને ફોક-રોકની શૈલીના સમન્વયથી તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં ભક્તિસંગીતને અલગ અંદાજમાં માણવાની તક મળશે.
29 ઓક્ટોબરે 'હાસ્યરંગ' કાર્યક્રમમાં ગુજરાતી હાસ્યસાહિત્ય અને હાસ્યપ્રસ્તુતિનો રંગ જામશે. 30 ઓક્ટોબરે 'સાહિત્ય મને ગમે છે' કાર્યક્રમમાં દૈનિક જીવનમાં સાહિત્યનું મહત્ત્વ, વાંચનની વ્યક્તિગત સફર અને જીવનને ઘડનારા પુસ્તકો અંગે ચર્ચા થશે. 31 ઓક્ટોબરે ગઝલની મહેફિલ યોજાશે.
ફેસ્ટિવલના અંતિમ દિવસે, 1 નવેમ્બરે, 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોની રજૂઆત થશે. આ સાથે નવ દિવસીય ફેસ્ટિવલનું સમાપન થશે.
મુખ્ય મંચ પરના કાર્યક્રમો ઉપરાંત ફેસ્ટિવલમાં બાળકો, લેખકો અને સાહિત્યપ્રેમીઓ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 2થી સાંજે 5 વાગ્યા દરમિયાન ડોમ-2માં લેખન કાર્યશાળાઓ યોજાશે. આ કાર્યશાળાઓમાં સહભાગીઓને લેખન કૌશલ્ય વિકસાવવાની તક મળશે.
બાળકોમાં વાંચન અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ડોમ-1માં દરરોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ચિલ્ડ્રન્સ પેવેલિયન યોજાશે. જ્યારે લેખકો સાથે સીધો સંવાદ કરવાની તક પૂરી પાડવા માટે દરરોજ બપોરે 3થી સાંજે 6 વાગ્યા દરમિયાન ડોમ-1માં 'ઑથર્સ કોર્નર'નું આયોજન કરવામાં આવશે.
ફેસ્ટિવલના સમયપત્રક અનુસાર, મુલાકાતીઓ માટે દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાશે. મુખ્ય મંચ પરના મોટા ભાગના વિશેષ કાર્યક્રમો સાંજે 7:30થી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. જો કે, 25 ઓક્ટોબરના 'રિવરફ્રન્ટ રિટ્રીટ' કાર્યક્રમનો સમય સાંજે 7થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે.