અમદાવાદમાં રહેતી 26 વર્ષીય યુવતીને ચેન્નઈના કાસીમ અંસારી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી છે. આરોપી યુવકે લગ્નની લાલચ આપી યુવતીને અમદાવાદની એક હોટલમાં લઈ જઈ 10 દિવસ સુધી ગોંધી રાખી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પીડિતા છૂટીને ઘરે પહોંચી ત્યારે પરિવારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અમદાવાદમાં રહે છે અને આરોપી ચેન્નઈનો રહેવાસી છે. બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો. પીડિતાની ફરિયાદ અનુસાર, કાસીમ તેને વારંવાર મેસેજ કરીને મિત્રતા માટે કહેતો હતો, પરંતુ યુવતી પહેલા જવાબ આપતી નહોતી. કાસીમે તેને કહ્યું હતું કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે અને તેની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેથી તેને એક સ્ત્રી મિત્રની જરૂર છે. આમ કહીને તેણે યુવતી સાથે મિત્રતા કરી હતી.
મિત્રતા થયા બાદ કાસીમે પીડિતાને બર્થડેની વિશ કરી હતી. 3 ઓક્ટોબરે આરોપી અમદાવાદ આવ્યો અને યુવતીને શહેરના છેવાડાની એક હોટલમાં લઈ ગયો. ત્યાં તેને 10 દિવસ સુધી ગોંધી રાખીને વારંવાર દુષ્કર્મ આચર્યું. 13 ઓક્ટોબરે યુવતીએ ઘરે જવાનું કહેતાં આરોપી તેને તેના ઘર નજીક છોડીને ચાલ્યો ગયો.
દરમિયાન, દીકરી 10 દિવસથી ગુમ હોવાથી પરિવારે ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી ઘરે પહોંચતાં પરિવાર તેને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન લઈ ગયો અને ફરિયાદ નોંધાવી.
ઈન્ચાર્જ ડીસીપી એ.વી. પરમારે જણાવ્યું કે, કાસીમના મોબાઈલમાંથી 7 જેટલા અલગ અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા છે. આ એકાઉન્ટનો ઉપયોગ અન્ય યુવતીઓને પણ ફસાવવા માટે થયો હતો કે કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ કિસ્સો સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાના જોખમો તરફ ધ્યાન દોરે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ઓનલાઈન મિત્રતા કરતી વખતે સાવધાની રાખે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની જાણ તાત્કાલિક પોલીસને કરે.