અમદાવાદની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિના મકવાણાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના એક ઈન્સ્ટાગ્રામ વીડિયો પર એક યુઝરે જાતિને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે.
શું છે સમગ્ર મામલો? હિના મકવાણાએ જન્માષ્ટમીના બીજા દિવસે ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે મંદિરના સેવકો સાથે દલીલ કરતી જોવા મળે છે. તેમણે ફરિયાદ કરી હતી કે મંદિર તરફથી આમંત્રણ મળ્યા બાદ તેમને જગ્યા આપવામાં આવી નહોતી. આ વીડિયો ઝડપથી વાઈરલ થયો હતો.
ત્યારબાદ rj_shivang નામના યુઝરે યુવતીનો ફોટો લઈને ટ્રોલ કરતી રીલ અપલોડ કરી હતી. છ સપ્ટેમ્બરે આ ટ્રોલિંગ વીડિયો નીચે rohan_shah87 નામના યુઝરે જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી સામે હિના મકવાણાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કોમેન્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
હિના મકવાણાએ જણાવ્યું હતું કે, 'જાતિને લઈને હું નાની હતી ત્યારથી આ બાબત ફેસ કરી રહી છું. 15 વર્ષ ભાડે રહ્યા ત્યારે જાતને લઈને તરત કોઈ મકાન ભાડે આપતું નહોતું. આટલું જ નહીં, મકાન માલિક કહેતા કે નોનવેજ ખાશો તો તમને અડધી રાત્રે કાઢી મૂકીશું.'
જો કે, આ અંગે ભાડજ હરેકૃષ્ણ મંદિરના સેવક શ્યામ ચરણ દાસે જણાવ્યું હતું કે, 'અમે આ પ્રકારે કોઈને આમંત્રણ આપ્યું ન હતું.'