અમદાવાદના પીરાણા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં અખાદ્ય સોસ બનાવવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે આ ફેક્ટરીમાં દરોડો પાડીને નમૂના લેવાની કામગીરી હાથ ધરી છે. 'ટેસ્ટી સોસ' નામના આ એકમમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હલકી ગુણવત્તાનો સોસ બનાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી બટાકાનો માવો, એસિટિક એસિડ, એસન્સ અને અત્યંત હલકી ગુણવત્તાના કલર પકડાયા છે. આ સામગ્રીઓના મિશ્રણથી સોસ તૈયાર કરવામાં આવતો હતો. જેમાં બટાકાના માવાનો ઉપયોગ સોસને ઘટ્ટ બનાવવા માટે, સ્ટાર્ચ પાઉડરનો ઉપયોગ અસલી સોસ જેવી બનાવટ માટે અને એસિટિક એસિડનો ઉપયોગ ખાટો સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત કેમિકલ અને અનામી કલરના ઉપયોગ દ્વારા સોસને ટામેટા જેવા રંગનો બનાવવામાં આવતો હતો.
આ મામલે એક ગંભીર બાબત સામે આવી છે કે, સોસ બટાકાના માવામાંથી બનાવવામાં આવતો હતો, જેને કંદમૂળમાં ગણવામાં આવે છે. આથી મુખ્યત્વે જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની સ્થિતિ પણ સામે આવી છે. આ ઉપરાંત ફેક્ટરીના સ્થળ પર ગંદકી પણ જોવા મળી હતી.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ સોસ 200 રૂપિયામાં 5 કિલોના ભાવે અમદાવાદના લારી-ફૂડ સ્ટોલ ધારકોને વેચવામાં આવતો હતો. હાલમાં વિભાગે અંદાજે 2000 કિલો સોસનો જથ્થો ઝડપી પાડ્યો છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.