સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઉદ્યોગો ખસેડવાની ચર્ચા, લાખોને રોજગારીનો ભય

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઉદ્યોગો ખસેડવાની ચર્ચા, લાખોને રોજગારીનો ભય

અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરની હવા ગુણવત્તા સુધારવા માટે નરોડા, વટવા અને ઓઢવ જેવા ઔદ્યોગિક વિસ્તારોના એકમોને ખેડા અથવા શહેરની બહાર ખસેડવાની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાથી નાના અને મધ્યમ ઉદ્યોગોમાં ચિંતા વ્યાપી છે. ઉદ્યોગોનું કહેવું છે કે આવો નિર્ણય થયો તો તેમને કરોડો રૂપિયાનું નુકસાન થશે અને લાખો લોકોની રોજગારી પર અસર પડશે.

અમદાવાદના નરોડા, વટવા અને ઓઢવ જીઆઈડીસી રાજ્યના કેમિકલ, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્ર છે. અહીં લાખો શ્રમિકો કામ કરે છે. અંદાજે 3.27 લાખથી વધુ કામદારો સીધી રોજગારી મેળવે છે. જો એકમો ખસેડવામાં આવે તો તેમને પરિવાર સાથે સ્થળાંતર કરવું પડે. દરેક કામદારના પરિવારમાં સરેરાશ પાંચ સભ્યોને ગણતાં અંદાજે 16 લાખ લોકો, અને આડકતરી રોજગારી મેળવતા એક લાખ લોકોના પરિવારો મળીને કુલ 20 લાખ જેટલા લોકોને સ્થળાંતર કરવું પડી શકે છે. આનાથી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જીવન પર ખરાબ અસર પડશે.

ઉદ્યોગોનું કહેવું છે કે શિફ્ટિંગના બદલે જો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બે મહિના એકમો બંધ રાખવાની સૂચના આપવામાં આવે તો તે વધુ વ્યવહારુ અને ઓછું ખર્ચાળ હશે. તેઓ કામદારોને પૂરો પગાર આપવા તૈયાર છે. દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે બાંધકામ પ્રવૃત્તિ 42 દિવસ બંધ રાખવામાં આવી હતી, તેનો દાખલો આપીને ઉદ્યોગો કહે છે કે આવો અભિગમ અપનાવી શકાય.

બીજી તરફ, પ્રદૂષણમાં સૌથી વધુ ફાળો બાંધકામ ઉદ્યોગનો હોવા છતાં તેમની સામે કોમનવેલ્થ દરમિયાન કોઈ પગલાં લેવાય તેવી શક્યતા ઓછી છે. આ મુદ્દે મુખ્યમંત્રીની બિલ્ડર લોબી પ્રત્યે નરમ વલણ હોવાની ચર્ચા છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આથી ઉદ્યોગો માંગ કરી રહ્યા છે કે સરકાર શિફ્ટિંગના બદલે કામચલાઉ બંધના વિકલ્પ પર વિચાર કરે, જેથી રોજગારી અને ઉદ્યોગ બંને બચી શકે.