સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગોની નાસિક-ભોપાલ ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ, બોર્ડિંગ પછી જાહેરાતથી મુસાફરોમાં રોષ

અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગોની નાસિક-ભોપાલ ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ, બોર્ડિંગ પછી જાહેરાતથી મુસાફરોમાં રોષ

અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે (12 નવેમ્બર) ઉપડતી ઇન્ડિગોની અમદાવાદ-નાસિક અને અમદાવાદ-ભોપાલ એમ બે ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. આને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નાસિક જતી ફ્લાઇટ (6E 7114) સાંજે 4.05 વાગ્યે ઉપડવાની હતી. મુસાફરો 2થી 3 કલાક પહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. બોર્ડિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી અને લગેજ પણ જમા કરી લેવામાં આવ્યું હતું. તેમ છતાં, ઉડાનના માત્ર એક કલાક પહેલા ફ્લાઇટ રદ થયાની જાહેરાત કરાતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા અને તેમણે એરપોર્ટ પર રોષ વ્યક્ત કર્યો હતો.

એ જ દિવસે અમદાવાદથી ભોપાલ જતી ઇન્ડિગોની બીજી ફ્લાઇટ (6E 7191) પણ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટના મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ફ્લાઇટ રદ થયા બાદ નાસિક જવા માટે સીધી ફ્લાઇટની વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે એરલાઇન્સે મુસાફરોને અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી રસ્તા માર્ગે નાસિક જવાનો અથવા બીજા દિવસની ટિકિટ લેવાનો વિકલ્પ આપ્યો હતો. સીધી ફ્લાઇટને બદલે કલાકોની વધારાની મુસાફરીનો વિકલ્પ મળતાં મુસાફરોનો સમય બગડ્યો હતો અને તેમના આયોજિત કાર્યક્રમો પર અસર પડી હતી.

એક મુસાફરે જણાવ્યું કે એરલાઇન્સે ટેકનિકલ કારણ આગળ ધરીને ફ્લાઇટ રદ કરી હતી. બીજી તરફ, ઇન્ડિગોના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે નાસિક અને ભોપાલની બંને ફ્લાઇટ 'ઓપરેશનલ કારણોસર' રદ કરવામાં આવી હતી.

મુસાફરોએ ડીજીસીએ (DGCA)ના નિયમો મુજબ યોગ્ય વળતર અને રિફંડની માંગ કરી છે. નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ થાય તો મુસાફરોને રિફંડ ઉપરાંત વળતર મળવાપાત્ર હોય છે.