અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વહીવટમાં ગેરરીતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રાઈમ વિસ્તાર ગણાતા સીજી રોડ, લો ગાર્ડન અને હેપ્પી સ્ટ્રીટ પાસે આઠ મહિનાથી ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. આ મામલો સ્થાયી સમિતિની બેઠકમાં બહાર આવ્યો છે.
સ્થાયી સમિતિના ચેરમેનના જણાવ્યા મુજબ, આ ત્રણેય જગ્યાઓ માટે એક જ એજન્સીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે ગત ફેબ્રુઆરી મહિનામાં રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ સુધી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. છતાં, ત્યાં ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાની લોકોની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના પગલે એસ્ટેટ વિભાગે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત, હેપ્પી સ્ટ્રીટની ખાણીપીણી બજારમાં સ્ટોલધારકોએ નિયમોનો ભંગ કરીને પાકા શેડ બાંધી ફૂડ કોર્ટ ઊભી કરી છે. અહીં ફક્ત સ્ટોલ રાખવાની મંજૂરી હતી, કોઈપણ પ્રકારના બાંધકામની નહીં. લોકોએ આ બંને બાબતો અંગે મ્યુનિસિપલને ફરિયાદ કરતાં એસ્ટેટ વિભાગ સક્રિય થયું અને કાર્યવાહીના દેખાવા માટે પહોંચ્યું.
બીજી બાજુ, અસારવામાં પાણીની ટાંકીમાંથી હાડકા મળવાની ઘટના બાદ શહેરની 250 જેટલી પાણીની ટાંકીઓની સફાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.