અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી જાણીતી હોટલ હયાતને બે કોફી પર ગેરકાયદે સર્વિસ ચાર્જ અને GST વસૂલવો ભારે પડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે આ વસૂલાતને અયોગ્ય ઠેરવીને હોટલને ગ્રાહકને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
સાયન્સ સિટી રોડ પરના સપ્તક બંગ્લોઝમાં રહેતા રોહિત પટેલ 11 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે હોટલ હયાત ગયા હતા. તેમણે બે કોફીનો ઓર્ડર આપ્યો. બે કોફીનું બિલ રૂ. 854 થયું, જેમાં રૂ. 62 GST અને રૂ. 34.50 સર્વિસ ચાર્જ વસૂલાયો હતો. આ ચાર્જ ખોટી રીતે વસૂલાયો હોવાની ફરિયાદ લઈને તેમણે ગ્રાહક પંચમાં અરજી કરી.
પંચે હોટલને નોટિસ મોકલી હતી, પણ હોટલ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર ન થયો. તેથી પંચે કેસની સુનાવણી એકતરફી રીતે કરી.
પંચે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને નિર્ણય આપ્યો કે, હોટલે ગેરવ્યાજબી રીતે વસૂલેલા સર્વિસ ચાર્જના રૂ. 34.50 અને GSTના રૂ. 6, એમ કુલ રૂ. 40.50 9% વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા. ઉપરાંત, ગ્રાહકને થયેલી માનસિક યાતનાના વળતર પેટે રૂ. 2,000 અને કાનૂની ખર્ચ પેટે રૂ. 2,000 ચૂકવવા. આમ, હોટલને કુલ રૂ. 4,040 30 દિવસમાં ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફરિયાદીએ હોટલ પાસે રૂ. 1 લાખ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની માંગ કરી હતી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 39(1)(k) હેઠળ મોટા પ્રમાણમાં ગ્રાહકોને નુકસાન થયું હોય ત્યારે જ પંચ આવો આદેશ કરી શકે છે. આ કેસમાં હોટલે કેટલા ગ્રાહકો પાસેથી આ રીતે ચાર્જ વસૂલ્યા, તેના વિશ્વસનીય પુરાવા ન હોવાથી પંચે આ માંગ મંજૂર કરી નહોતી.