અમદાવાદની જાણીતી હયાત હોટેલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું કહીને બે શખસે હોટેલમાં વિદેશી મહિલાની પાછળ ઘૂસીને તેની મંજૂરી વગર રૂમમાં જઈને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને હોટેલ મેનેજર પાસે રૂ.5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે પશ્ચિમ મહિલા ક્રાઈમ પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે. ચારેય આરોપીઓ ફરાર છે.
હયાત હોટેલ તરફથી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 29 ઓક્ટોબરના વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ હોટેલમાં એક ફિલિપાઇન્સની મહિલા આવી હતી. તેની પાછળ શુભ શાહ નામનો શખસ વીડિયો ચાલુ કરીને આવ્યો હતો. મહિલા રૂમમાં ગઈ ત્યારે શુભ પણ તેની પાછળ રૂમમાં ઘૂસી ગયો અને મહિલાની મંજૂરી વિના વીડિયો બનાવ્યો હતો.
શુભ શાહે હોટેલમાં એવું પણ કહ્યું હતું કે, હોટેલમાં ઓનલાઇન ગ્રાહકોને બોલાવીને વિદેશી મહિલાઓ દ્વારા દેહ વ્યાપાર ચલાવવામાં આવે છે. આમ કહીને તેણે હોટેલ અને મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. શુભે રિસેપ્શન પર આવીને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું, જેમાં સંકેત પ્રજાપતિ નામ લખ્યું હતું. બાદમાં હોટેલના સ્ટાફને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક મોકલી હતી. લિંક પરનો વીડિયો ડિલિટ કરવા જણાવતાં શુભે મળવાનું કહ્યું હતું.
30 ઓક્ટોબરે શુભ શાહ, સંકેત પ્રજાપતિ અને અન્ય બે શખસ ગાડીમાં હયાત હોટેલમાં મેનેજરને મળવા આવ્યા હતા. તેમણે મેનેજર સાથે વાતચીત કરીને વીડિયો બતાવ્યો અને હોટેલમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની વાત કરી. આ વીડિયો વાયરલ કરી દઈશ અને મીડિયાને આપી દઈશ તેવી ધમકી આપીને સેટલમેન્ટના નામે રૂ.5 લાખની માંગણી કરી હતી.
હોટેલ મેનેજરે પૈસા આપવાની ના પાડીને પોલીસ બોલાવવાનું કહેતાં ચારેય ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં હોટેલમાં આવેલી ફિલિપાઇન્સની મહિલા દેહ વ્યાપાર કરતી હોય તેવા લખાણ સાથે મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો અપલોડ થતાં હોટેલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ ચારેય આરોપીઓના ઘરે અને ઓફિસે તપાસ કરી રહી છે.