અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોમાં ગેરકાયદે બાંધકામના બહાને તોડબાજીનું રેકેટ સક્રિય થયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નારણપુરા, વાડજ, ગોતા, સરસપુર અને બાપુનગર જેવા વિસ્તારોમાં 30થી 40 વર્ષ જૂના બાંધકામોને નિશાન બનાવીને RTI અને નોટિસના નામે પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ છે.
આ વિસ્તારોમાં દશકો પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પ્રમાણમાં આવાસો બનાવવામાં આવ્યા હતા. આશરે 30થી 40 વર્ષ પહેલાં કરાયેલા વધારાના બાંધકામોને આધાર બનાવીને કેટલાક લોકો દ્વારા ખોટો ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. RTI કરીને મોટી રકમની તોડબાજી કરી પ્રકરણને દબાવી દેવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વધારાના બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી લઈ શકાતી નથી, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન આવા બાંધકામોને કાયદેસર કરી શકતું નથી. આ કાનૂની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને તોડબાજ તત્વો સક્રિય બન્યા છે અને રહિશોને દબાવીને નાણાં પડાવી રહ્યા છે.
આ ત્રાસથી કંટાળીને અસરગ્રસ્ત સ્થાનિક રહેવાસીઓએ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રાલય અને હાઉસિંગ બોર્ડ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના 70 હજારથી વધુ આવાસો આવેલા છે. સ્થાનિકોએ માગ કરી છે કે સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાન કરતા આ તત્વો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે.