અમદાવાદમાં આગામી દિવાળી અને લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને હોટેલના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. નવરાત્રી પૂરી થતાં જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને શહેરની હોટેલોમાં બુકિંગની માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે.
દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ દિવાળી ઉજવવા અને ત્યારબાદ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અમદાવાદ આવે છે. આ ઉપરાંત દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની સિઝનને કારણે પણ હોટેલોમાં અત્યારથી બુકિંગ વધી રહ્યાં છે. આ વધતી માંગને પગલે હોટેલ સંચાલકોએ ભાડામાં આશરે 20 ટકાનો વધારો કર્યો છે. ખાસ કરીને હાઇવે પર આવેલી હોટેલોમાં માંગ વધુ જોવા મળી રહી છે.
નવરાત્રી દરમિયાન પણ હોટેલની માંગમાં 15 ટકા અને ભાડામાં 5 ટકાનો વધારો થયો હતો. હોટેલ સંચાલકો ગ્રાહકોની સુરક્ષા, સ્વચ્છતા અને શુદ્ધ ભોજન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે, જેથી સારી સેવા મળી શકે. દિવાળી દરમિયાન હોટેલ રૂમના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે.