સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: બે સરકારી હોસ્પિટલોમાં ફક્ત ઓફિસ ફર્નિચર પાછળ 10.51 કરોડનો ખર્ચ

અમદાવાદ: બે સરકારી હોસ્પિટલોમાં ફક્ત ઓફિસ ફર્નિચર પાછળ 10.51 કરોડનો ખર્ચ

અમદાવાદમાં મણિનગર અને સરસપુર ખાતે નવેસરથી બની રહેલી એલજી અને શારદાબહેન હોસ્પિટલ ફરી ચર્ચામાં છે. આ બંને હોસ્પિટલો 350 કરોડ રૂપિયથી વધુના ખર્ચે તૈયાર થઈ રહી છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલોમાં ફક્ત ટેબલ, ખુરશી અને સોફા જેવા ઓફિસ ફર્નિચર માટે 10.51 કરોડ રૂપિયા ખર્ચવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

હોસ્પિટલ કમિટી સમક્ષ મૂકાયેલી દરખાસ્ત મુજબ શારદાબહેન હોસ્પિટલ માટે 6.41 કરોડ અને એલજી હોસ્પિટલ માટે 4.11 કરોડ રૂપિયાનું ઓફિસ ફર્નિચર ખરીદવાનું આયોજન છે. આ રકમ ફક્ત તબીબોની કેબિનના ફર્નિચર પાછળ ખર્ચાવાની છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંને હોસ્પિટલોના લાઈટ અને ઈલેક્ટ્રિકલ ફિટિંગના કામ માટે 104 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો હતો, જેને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા હતા. શરૂઆતમાં હોસ્પિટલોનું કામ 22થી 25 ટકા જેટલા ઊંચા ભાવે આપવામાં આવ્યું હતું અને બાદમાં ડિઝાઈનમાં ફેરફારના નામે એલજી હોસ્પિટલ માટે વધારાનો ખર્ચ પણ મંજૂર કરાયો હતો.

ચાર વર્ષથી ચાલતી આ બંને હોસ્પિટલોની કામગીરી વારંવાર ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે. આ ખર્ચ સામે એવી દલીલ થાય છે કે આટલી રકમમાં નાની-મોટી આખી નવી ઓફિસ તૈયાર થઈ શકે. સામે તંત્ર તરફથી હજુ સુધી આ ખર્ચ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નગરપાલિકાના વર્તુળોમાં આ ખર્ચને લઈને અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. ગત નાણાકીય વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ 15,500 કરોડ રૂપિયા હતું, જે આ વર્ષે વધીને 18,500 કરોડ રૂપિયા થયું છે. આ સંદર્ભમાં જાહેર નાણાંનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, તે અંગે નાગરિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.