અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 22 વર્ષીય સોફિયા બોપલની હત્યા તેના પિતા અને ભાઈએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ હત્યા કરીને તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં ખુલાસો થતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.
12 ઓગસ્ટની રાત્રે સોફિયા તેના ભાઈ મોહમ્મદ હાબિલ સાથે બાઈક પર પરત ફરી રહી હતી. રસ્તામાં સમૃદ્ધ ડેરી પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હોવાનું કહેવાતું હતું, જેમાં સોફિયાનું મોત થયું હતું. ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા જણાયું કે જે રસ્તે અકસ્માત થયો હોવાનું ભાઈએ જણાવ્યું હતું, ત્યાં કોઈ અકસ્માત થયો નથી. પૂછપરછમાં હાબિલ અને તેના પિતા મોહમ્મદ ફારુકે હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, થોડા સમય અગાઉ સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. આથી પરિવારમાં બદનામી થશે તેવી શંકાએ પિતા અને ભાઈએ પહેલેથી જ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 12 ઓગસ્ટે વરસાદનો લાભ લઈ હાબિલ સોફિયાને લેવા માટે તેની કામ કરતી હોસ્પિટલે ગયો હતો. રસ્તામાં તેણે સોફિયાના માથામાં હથોડી મારી હતી અને પછી બાઈક પરથી પછાડીને વધુ બે ઘા માર્યા હતા.
સોફિયાના મોત બાદ પિતા-પુત્ર લાશ સાથે બાઈક પર ફરતા રહ્યા હતા અને પછી એક જગ્યાએ લાશ મૂકી હતી. હાબિલે પોતાના શરીર પર ઈજા કરી અને બાઈકને નુકસાન પહોંચાડી અકસ્માતનો દેખાવ કર્યો હતો. બનાવ બાદ ફારૂક ત્યાંથી ચાલતો નીકળી ગયો હતો.
પોલીસે હાબિલ અને ફારૂકની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.