અમદાવાદમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતા અને ભાઈએ મળીને પોતાની સગી દીકરી અને બહેન સોફિયા ખાનની કથિત રીતે હત્યા કરી હતી. હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં CCTV ફૂટેજના આધારે સત્ય બહાર આવ્યું છે.
પોલીસે આ કેસમાં આરોપી પિતા મોહમ્મદ ફારુક ખાન અને ભાઈ મોહમ્મદ હાબીલ ખાનની ધરપકડ કરી છે. આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ સરખેજના ફતેવાડી વિસ્તારમાં રહે છે. તેઓ ફેબ્રિકેશનનું કામ કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટે રાત્રે સરખેજ-ઘેલજીપુરા પાસે એક યુવતીના મોત અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક સોફિયાના ભાઈએ અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે બાઈક જાતે પાડી દેવામાં આવી છે અને એક વ્યક્તિ ભાગતો જોવા મળે છે.
આગળની તપાસમાં પોલીસે પિતા-પુત્રની પૂછપરછ કરતાં વિસંગતતા જોવા મળી હતી. આરોપી હાબિલ ખાન અકસ્માતનો સમય ચોક્કસ નહોતો જણાવી શકતો. પૂછપરછ દરમિયાન તે તૂટી પડ્યો હતો અને બંને સોફિયાની હત્યા કરવાની કબૂલાત કરી હતી.
ઘટનાની વિગતો પ્રમાણે, સોફિયા બોપલની નિકી હોસ્પિટલના રિસેપ્શન પર નોકરી કરતી હતી. 12 ઓગસ્ટે રાત્રે આઠ વાગ્યે પિતા ફારુક અને ભાઈ હાબિલ બાઈક પર સોફિયાને લેવા ગયા હતા. પિતા બાઈક ચલાવતા હતા અને સોફિયાને હાબિલ સાથે બેસાડીને ઘેલજીપુરા ગામના કાચા રસ્તા પર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા.
ત્યાં ચાલુ બાઈક પર હાબિલે સોફિયાના માથામાં લોખંડની હથોડીના ત્રણેક ઘા મારીને હત્યા કરી હતી. હત્યાને અકસ્માત ગણાવવા માટે આરોપીઓએ સોફિયાને રોડની પાળી પાસે માથું અથડાયું હોય તેમ સુવડાવી દીધી. હાબિલે પોતાના બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું અને પોતે પણ બેભાન થવાનો ડોળ કર્યો. આરોપી પિતા ત્યાંથી ચાલ્યા ગયા. બાદમાં તેમણે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સોફિયા અન્ય યુવકો સાથે ફરતી હોવાનો વીડિયો પિતા ફારુકના ધ્યાને આવ્યો હતો. તેમણે સોફિયાને ઠપકો આપીને સુધરવાનું કહ્યું હતું, પરંતુ સોફિયામાં કોઈ બદલાવ ન આવતાં સમાજમાં બદનામીના ડરથી હત્યાનું કાવતરું રચ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોપીઓનો દાવો છે કે સોફિયાના કારણે તેમની મોટી બહેનના લગ્ન નહોતા થઈ રહ્યા. હાલ પોલીસે હત્યા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.