સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ટિન્ડર થઈ હનીટ્રેપનો પર્દાફાશ, વેપારી પાસેથી 6.5 લાખની ખંડણી

અમદાવાદમાં ટિન્ડર થઈ હનીટ્રેપનો પર્દાફાશ, વેપારી પાસેથી 6.5 લાખની ખંડણી

અમદાવાદમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના માધ્યમથી લોકોને ફસાવતી હનીટ્રેપ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે એક વેપારીને ટિન્ડર ડેટિંગ એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી 6.50 લાખ રૂપિયાની ખંડણી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવતી હિના પટેલ ઉર્ફે ધ્રુતી ગડાએ ટિન્ડર એપ પર અમદાવાદના વેપારીનો સંપર્ક કર્યો અને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો. બંને વચ્ચે વાંધાજનક તસવીરોની પણ આપલે થઈ હતી. જે બાદ અગાઉથી નક્કી કરાયેલા પ્લાન મુજબ યુવતીએ વેપારીને વિવેકાનંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડોદરા પાટીયા પાસે મળવા માટે બોલાવ્યો.

વેપારી મળવા માટે આવ્યો કે તરત જ અગાઉથી હાજર ગેંગના અન્ય સાગરિતોએ વેપારીને કારમાં બેસાડી પોલીસની ખોટી ઓળખ આપી. તેમણે વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી 6.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા.

વેપારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને રાજ ખુંટ અને કલ્પેશ અગ્રાવત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે રાજ ખુંટ ગેંગમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, જ્યારે કલ્પેશ અગ્રાવત બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દેણું વધી જતાં નાણાની જરૂરિયાતને કારણે કલ્પેશ આ ગેંગમાં જોડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપી કલ્પેશ વિરુદ્ધ પહેલાં રાજકોટના ગોંડલ અને વડોદરામાં એક-એક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ હનીટ્રેપ ગેંગનો માસ્ટરમાઇન્ડ વારિસ માલવીયા નામનો આરોપી હોવાનું પણ ખુલ્યું છે. આરોપી યુવતી હિના પટેલ ઉર્ફે ધ્રુતી ગડા વિરુદ્ધ અગાઉ NDPSનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે ગેંગના ફરાર પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.