સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: હોર્ડિંગ પાસે મોટા વૃક્ષો વાવવા પર પ્રતિબંધ, રિવરફ્રન્ટની ગંદકી પર ₹1 લાખ દંડ

અમદાવાદ: હોર્ડિંગ પાસે મોટા વૃક્ષો વાવવા પર પ્રતિબંધ, રિવરફ્રન્ટની ગંદકી પર ₹1 લાખ દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં નવા હોર્ડિંગ્સની આસપાસ મોટા વૃક્ષો વાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોના આડેધડ ટ્રીમિંગના કિસ્સા વારંવાર સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હોર્ડિંગ પાસે ફક્ત નાની ઊંચાઈના વૃક્ષો જ વાવી શકાશે.

તાજેતરમાં રસ્તા અને ડિવાઇડર પરના વૃક્ષો બુઠ્ઠા કરી દેવા બદલ એક જાહેરાત એજન્સીને દંડ કરાયો હતો. જોકે, શાહીબાગ, એરપોર્ટ અને રિવરફ્રન્ટ જેવા મુખ્ય રસ્તા પર દર 100-200 મીટરે હોર્ડિંગ હોય ત્યાં વૃક્ષો ક્યાં વાવવા તે અંગે પ્રશ્ન ઊઠ્યો છે.

બીજી બાજુ, રિવરફ્રન્ટ પર સુભાષ બ્રિજના કાટમાળ અને ગંદકી બદલ સફાઈ એજન્સીને ₹1 લાખનો દંડ કરાયો છે. ઘર કે સોસાયટીમાં ટ્રીમિંગ કરાવવાનો ચાર્જ ભરવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જેથી લોકોએ ₹200 ભરવા સિવિલ સેન્ટર ન જવું પડે.

વધુમાં, વર્ષ 2023માં અગાણજ અને મોટેરામાં સબ ડિવિઝન ઓફિસ માટે અપાયેલા ₹50 કરોડના પ્લોટની રકમ યુજીવીસીએલને ન ચૂકવાતા બંને પ્લોટ પાછા લેવાયા હતા. આવા અન્ય પ્લોટની યાદી બનાવી તેમને પરત લેવાની કાર્યવાહી કરવા એસ્ટેટ વિભાગને સૂચના અપાઈ છે.

ઉપરાંત, શહેરની 243 પાણીની ટાંકીમાંથી છેલ્લા છ મહિનામાં ફક્ત 96 ટાંકીની જ સફાઈ થઈ હોવાથી બાકીની ટાંકીઓની સમયસર સફાઈ કરવા તાકીદ કરાઈ છે.