સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બે હિટ એન્ડ રન: પાલડીમાં ફાયરકર્મી યુવકનું, શીલજમાં મોપેડચાલક યુવતીનું મોત

અમદાવાદમાં બે હિટ એન્ડ રન: પાલડીમાં ફાયરકર્મી યુવકનું, શીલજમાં મોપેડચાલક યુવતીનું મોત

અમદાવાદમાં ગયા સપ્તાહે બે અલગ-અલગ હિટ એન્ડ રન અકસ્માતમાં 21 વર્ષીય યુવક અને 23 વર્ષીય યુવતીના કરુણ મોત થયા છે. પાલડી વિસ્તારમાં પૂરઝડપે આવી રહેલી કારે SVP હોસ્પિટલના ફાયર વિભાગમાં ફરજ બજાવતા યુવકને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી ઘટના શીલજ નજીક એસ.પી. રિંગ રોડ પર બની હતી, જ્યાં ટ્રકની અડફેટે નોકરીએ જઈ રહેલી મોપેડચાલક યુવતીનું મોત થયું હતું. પોલીસે બંને ઘટનાઓમાં ફરાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

પાલડીની ઘટના 2 નવેમ્બર 2026ના રોજ સોમવારે બપોરે આશરે 4 વાગ્યાની છે. કોચરબ ગામમાં આવેલી સફળ વિદ્યાલયની બહારના રસ્તા પરથી પસાર થઈ રહેલી કાળા રંગની કારે 21 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારી હતી. મૃતક યુવક મહીસાગર જિલ્લાના મોટી સરસણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા હતા. ફરિયાદ અનુસાર, અકસ્માત સમયે કારમાં એક યુવતી પણ હાજર હતી અને કાર અન્ય યુવક ચલાવી રહ્યો હતો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલ ઠાકોર નામના કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

બીજી ઘટના 3 નવેમ્બરના રોજ બપોરે બની હતી. રૂપાલી શૈલેષભાઈ સલારીયા (ઉં.વ. 23) પોતાના મોપેડ પર નોકરીએ જઈ રહી હતી ત્યારે શીલજ નજીક એસ.પી. રિંગ રોડ પર ટ્રકની અડફેટે આવી ગઈ હતી. રૂપાલી સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એક લેબોરેટરીમાં કામ કરતી હતી અને છેલ્લા ત્રણ મહિનાથી તે તેના મંગેતર રવિના ઘરે રહેતી હતી. મૃતકના મોટા ભાઈ જેમીનભાઈ સલારીયાએ એ વિઝન ટ્રાફિક પોલીસમાં હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.