અમદાવાદમાં સૈજપુર બોઘા અને પીપળજ વિસ્તારમાં બે અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનાઓ બની છે. આ બનાવોમાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે અજાણ્યા વાહનચાલકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રથમ ઘટના સૈજપુર બોઘા વિસ્તારમાં 11 ઓક્ટોબરની સાંજે બની હતી. સૈજપુર ટાવરથી જી.ડી. ત્રણ રસ્તા તરફ જતા માર્ગ પર ભગવતી દૂધઘર પાસે 54 વર્ષીય અરવિંદભાઈ પન્નાલાલ પરમાર પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા છોટાહાથી ચાલકે પૂરઝડપે વાહન ચલાવીને તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અરવિંદભાઈના નાના ભાઈ વિષ્ણુભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં અરવિંદભાઈ માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં પડેલા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 14 ઓક્ટોબરે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અંતિમવિધિ બાદ અજાણ્યા છોટાહાથી ચાલક સામે જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી ઘટના 19 ઓક્ટોબરની બપોરે પીપળજ નજીક બની હતી. દિપુકુમાર રામચન્દ્ર ચૌહાણ (ઉંમર 33) અને તેમના મિત્ર ગૌતમસિંગ કૃષ્ણગોપાલ રાજપુત (ઉંમર 36) મોટરસાઇકલ પર પીપળજથી મોતીપુરા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. નાકોડા કંપની પાસેના ચાર રસ્તા પર પહોંચતાં સામેથી આવતા ટાટા 407 ટેમ્પોના અજાણ્યા ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી હતી. ટક્કર લાગતાં બંને નીચે પટકાયા હતા. આ દરમિયાન ટેમ્પોનું ટાયર દિપુકુમારની છાતી અને પેટ પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેમને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. મોટરસાઇકલ પર પાછળ બેઠેલા ગૌતમસિંગને માથા અને ડાબા પગમાં ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં દિપુકુમારના ભાઈ માનસિંગ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વી.એસ. હોસ્પિટલ ખાતેથી અકસ્માત સર્જીને ફરાર થયેલા ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંને બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.