સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ટ્રકની ટક્કરે 8 પશુઓના મોત, ચાલક ફરાર

અમદાવાદના વટામણ-બગોદરા હાઈવે પર ટ્રકની ટક્કરે 8 પશુઓના મોત, ચાલક ફરાર

અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ પાસે મોડી રાત્રે એક ટ્રકે પશુઓના ટોળા પર ટક્કર મારતાં આઠ પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ મૃત પશુઓને JCBની મદદથી ઊંડો ખાડો ખોદીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

બાવળા-બગોદરા હાઈવે પર રોજનું 2થી 3 પશુઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ગંભીર રીતે ઘવાય છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માતોમાં 30થી વધુ પશુઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 25થી વધુ પશુઓ ઇજાગ્રસ્ત થયા છે.

ઘટના બાદ બાવળાના પશુ પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત પશુઓને પ્રાથમિક સારવાર આપે છે. જરૂર પડે તો તેમને વધુ સારવાર માટે ભાભર ગૌશાળા ખાતે ખસેડવામાં આવે છે. જીવદયા પ્રેમીઓએ હાઈવે પર રખડતા પશુઓ અને બેફામ દોડતા વાહનો પર અંકુશ લાવવા તંત્ર પાસે કડક પગલાંની માંગ કરી છે.