અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. આકાશમાં કાળા વાદળ છવાઈ ગયા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરમાં બપોરે 3થી 4 વાગ્યા સુધીના એક કલાકમાં સરેરાશ અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, જ્યારે પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. સરખેજ, આશ્રમ રોડ, વસ્ત્રાપુર, ગુરુકુળ અને પાલડીમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. કાલુપુર, દૂધેશ્વર, માધુપુરા, પ્રેમ દરવાજા, દરિયાપુર, મેમકો, નરોડા, મોટેરા, સાબરમતી, જોધપુર મેમનગર, ઉસ્માનપુરા અને વાડજ જેવા વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો.
અચાનક ભારે વરસાદના કારણે શહેરના પશ્ચિમના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાવાની શરૂઆત થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા અને પાણીનો નિકાલ શરૂ કરી દીધો. પૂર્વ વિસ્તારના ઓઢવ સોનીની ચાલી વિસ્તારમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા.