સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બપોર બાદ ભારે વરસાદ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં રસ્તા પર પાણી

અમદાવાદમાં બપોર બાદ ભારે વરસાદ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં રસ્તા પર પાણી

અમદાવાદમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કાળા વાદળોએ આકાશ ઘેરી લીધું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર તથા પૂર્વ વિસ્તારમાં મણિનગર, નિકોલ અને ઓઢવ સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ નોંધાયો. અચાનક શરૂ થયેલા વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાયું અને પાણી વહેતું થયું.

વરસાદનું જોર એટલું વધારે હતું કે એસજી હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર દૃશ્યતામાં મોટો ઘટાડો થયો. બપોરના સમયે જ અંધારા જેવો માહોલ સર્જાતાં વાહનચાલકોએ અકસ્માતથી બચવા હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવું પડ્યું.

સવારથી અનુભવાતા બફારા પછી પડેલા આ વરસાદથી નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.