સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સવારથી તોફાની વરસાદ: સરખેજમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં સવારથી તોફાની વરસાદ: સરખેજમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં આજે સવારે 7.30 કલાકે શરૂ થયેલા તોફાની વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવી દીધું છે. સતત બે કલાક સુધી પડેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક અંડરપાસમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને બીઆરટીએસની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. કેટલાક રૂટ પરની બસ સેવાઓ બંધ કરી દેવાઈ હતી.

પાણીના ઝડપી નિકાલ માટે વહીવટીતંત્રને વાસણા બેરેજના 14 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, 9.30 પછી વરસાદ ધીમો પડતાં સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ હતી. સવારના 11 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

શહેરના વિવિધ ઝોનમાં વરસાદની માત્રા અલગ અલગ રહી. સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમ ઝોનના નવરંગપુરામાં 110 મી.મી. વરસાદ પડ્યો હતો. ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદની માત્રા અન્ય ઝોનની સરખામણીએ ઘણી ઓછી રહી હતી.

પૂર્વ અમદાવાદમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં વિરાટનગરમાં 46, ચકુડિયામાં 45, ઓઢવમાં 41, નિકોલમાં 40, રામોલમાં 23, કઠવાડામાં 24 અને વસ્ત્રાલમાં 39 મી.મી. વરસાદ પડ્યો છે.

પશ્ચિમ અમદાવાદમાં સવારના 9 વાગ્યા સુધીમાં 68 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં નવરંગપુરામાં 90, વાસણામાં 82, ટાગોર હોલ ખાતે 70, રાણીપમાં 64, ઉસ્માનપુરામાં 61, મોટેરામાં 55 અને ચાંદખેડામાં 52 મી.મી. વરસાદ પડ્યો છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં સવારના 9 વાગ્યા સુધીમાં 62 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં મેમનગરમાં 71, ગોતામાં 69, ચાંદલોડિયામાં 68, ઓગણજમાં 63, બોડકદેવમાં 61, થલતેજમાં 54 અને સાયન્સ સિટીમાં 47 મી.મી. વરસાદ પડ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 68 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 116, સરખેજમાં 82, બાકરોલમાં 82, જોધપુરમાં 58, બોપલમાં 57, જોધપુર ઝોનલ ખાતે 49 અને મકતમપુરમાં 32 મી.મી. વરસાદ પડ્યો છે.

મધ્ય ઝોનમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 60 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં કાલુપુરમાં 76, દુધેશ્વરમાં 65, અસારવામાં 65 અને દાણાપીઠામાં 36 મી.મી. વરસાદ પડ્યો છે. ઉત્તર ઝોનમાં 36 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં મેમકો ખાતે 48, સરદારનગરમાં 47, નરોડામાં 38, હંસપુરામાં 31 અને કોતરપુરમાં 17 મી.મી. વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં 47 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં લાંભામાં 57, ઈન્દ્રપુરીમાં 49, મણીનગરમાં 45 અને વટવામાં 38 મી.મી. વરસાદ પડ્યો છે.